sports

Team Indiaના કોચ ગૌતમ ગંભીર વિરૂદ્ધ પૂર્વ ક્રિકેટરે લગાવ્યા આ મોટા આરોપ!

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર હાલમાં આગામી સિરિઝની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અતુલ વાસને તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે.

અતુલ વાસન બાળપણથી મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ઓળખે છે. વાસને દિલ્હી ક્રિકેટ ટીમ માટે સિલેક્ટર તરીકે પણ સેવા આપી છે. તેમના આરોપોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

તે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે

ભૂતપૂર્વ ભારતીય સિલેક્ટર અતુલ વાસને ગૌતમ ગંભીર વિશે વાત કરતા કહ્યું કે "તેનો અહંકાર હદ બહાર છે. તે વિચારે છે કે જો તે સવારે 'રાત' કહેશે, તો લોકો માનશે કે રાત થઈ ગઈ છે. તેની વાત સાંભળો. જો તમે નહીં કરો, તો તમે મારા દુશ્મન છો. તે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, પરંતુ તેને ક્રિકેટમાં ઘણું હાંસલ કર્યું છે. તેના આ સ્વભાવે તેને ક્રિકેટમાં મદદ કરી છે."

તે એક મહાન ખેલાડી અને બુદ્ધિશાળી છે

ગંભીર વિશેની એક જૂની વાત યાદ કરતાં અતુલ વાસને કહ્યું કે "હું તેને બાળપણથી ઓળખું છું. મારા તેની સાથે કેટલાક મતભેદો રહ્યા છે. તે દરેક જગ્યાએ પોતાનો રસ્તો બનાવવા માગે છે. તે દિલ્હી ક્રિકેટમાં પણ ખૂબ જ બોસી હતો. તે શરૂઆતથી જ એક શ્રીમંત પરિવારમાંથી આવતો હતો, અને એ જ તેનો સ્વભાવ છે. તે એક મહાન ખેલાડી અને બુદ્ધિશાળી છે."

ગૌતમ ગંભીરના કોચિંગ કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા

વધુમાં અતુલ વાસને ગંભીર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું, "હું ખાતરીપૂર્વક કહી શકું છું કે બધા ખેલાડીઓ ખુશ નહીં હોય. કેટલાક ખેલાડીઓ દબાણમાં હશે. હું એક કે બે ખેલાડીઓને ઓળખું છું, પરંતુ હું તેમના નામ જાહેર કરી શકતો નથી." ગૌતમ ગંભીરની કોચિંગ કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.

ગંભીરની કોચિંગ કારકિર્દી વિશે બોલતા અતુલ વાસને કહ્યું કે "જો તમે સતત જીતી રહ્યા છો તો બધું બરાબર છે. પરંતુ જેમ જેમ તમે હારશો, તમારી પદ્ધતિઓ અને નિર્ણયો પર પ્રશ્નાર્થ લાગી જાય છે." ગૌતમ ગંભીરનો સફેદ બોલના ક્રિકેટમાં મુખ્ય કોચ તરીકેનો રેકોર્ડ મજબૂત છે, પરંતુ તેમણે ટેસ્ટ ક્રિકેટમાં એટલી સફળતા મેળવી નથી. તેથી, સફળ મુખ્ય કોચ બનવા માટે, ગૌતમે ટેસ્ટ ક્રિકેટમાં પણ સફળતા પ્રાપ્ત કરવી પડશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

Original source: sandesh.com →