ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીએ ભારતીય રમતગમત પ્રણાલી અને સોશિયલ મીડિયા સંસ્કૃતિ સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. એક મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, દેશ માટે મેડલ જીત્યા પછી પણ ખેલાડીઓને જે સન્માન મળવું જોઈએ તે મળતું નથી. ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે છતાં તેમનો અનાદર થાય છે. જયારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને વધુ ખ્યાતિ અને સરળતાથી બધુ મળે છે. ખેલાડીઓની કરાતી ઉપેક્ષાને લઈને બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાઈરાજનું છલકાયું દર્દ.
એરપોર્ટ પર કોઈએ ઓળખ્યા પણ નહીં
થોમસ કપ 2026માં બ્રોન્ઝ મેડલ જીતીને પરત ફરેલી ભારતીય ટીમની ઉપેક્ષા પર સાત્વિકે દુઃખ વ્યક્ત કર્યું. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, "અમે પાછા આવી ગયા છીએ, પરંતુ છેલ્લા બે અઠવાડિયામાં અમે શું કર્યું તેની કોઈને પરવા નથી." સાત્વિકે ખુલાસો કર્યો કે એરપોર્ટ પર ઇમિગ્રેશનથી લઈને ફ્લાઇટ સુધી કોઈને ખબર નહોતી કે તેઓ ભારતની બેડમિન્ટન ટીમ છે. આટલું જ નહીં, ટીમે પોતાની જર્સી પણ જાતે ડિઝાઇન કરીને પ્રિન્ટ કરાવી હતી.
અમને પૈસા નહીં ફક્ત આદર જોઈએ છે
ભારતીય સ્ટારે કહ્યું કે ખેલાડીઓને ફક્ત થોડી પ્રશંસા જોઈએ છે. "અમને પૈસા નથી જોઈતા. ફક્ત કોઈ એવું કહે કે, 'અમે તમારી મેચ જોઈ, તમે ખૂબ સારું રમ્યા.' એરપોર્ટ પર એક નાનું સ્વાગત, બાળકો સાથે મુલાકાત, બસ એટલું જ પૂરતું છે." સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ટીમની સિદ્ધિને ઓછી આંકી ત્યારે સાત્વિકનું દુઃખ વધુ વધી ગયું. એક વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, "ત્રીજા કે ચોથા સ્થાને રહેવાથી સ્ટારડમ મળતું નથી."
ઈન્ફ્લુએન્સરને મહત્વ, ખેલાડીઓની અવગણના
સાત્વિકે ક્રિકેટ અને બેડમિન્ટનની સરખામણી કરતા કહ્યું કે, 1983ના વર્લ્ડ કપ બાદ ક્રિકેટની દુનિયા બદલાઈ ગઈ, પણ થોમસ કપમાં ગોલ્ડ જીત્યા પછી પણ બેડમિન્ટનનો દરજ્જો ત્યાં જ છે. તેણે એક કડવી વાસ્તવિકતા શેર કરતા કહ્યું કે, હૈદરાબાદમાં આજે પણ લોકો તેને ઓળખતા નથી. રેસ્ટોરન્ટમાં તેને ટેબલ મળતું નથી, જ્યારે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સને તરત જ એન્ટ્રી મળી જાય છે. સાત્વિકે સ્પષ્ટપણે કહ્યું કે રમતવીરોને ફક્ત એવું અનુભવવાની જરૂર છે કે દેશ તેમના મેડલની કદર કરે છે.
બેડમિન્ટન છોડી કન્ટેન્ટ ક્રિએટર બનવાનો વિચાર
સિસ્ટમથી નિરાશ થયેલા 25 વર્ષીય સાત્વિકે કહ્યું, "ક્યારેક મને થાય છે કે બેડમિન્ટન છોડીને ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ અને ગીતોના વીડિયો મૂકવાનું શરૂ કરી દઉં. કદાચ ત્યાં ઓળખ અને પૈસા વધુ છે." તેને ડર છે કે જો રમતા હોવા છતાં દેશ તેને ઓળખતો નથી, તો નિવૃત્તિ પછી લોકો તેને સંપૂર્ણપણે ભૂલી જશે. સાત્વિકે કહ્યું કે 2022નો થોમસ કપ ગોલ્ડ મેડલ ભારતીય બેડમિન્ટન માટે 1983ના વર્લ્ડ કપ જેવો જ ક્ષણ હોઈ શકે છે. તેમણે કહ્યું, "1983 પછી ક્રિકેટ બદલાયું. પૈસા આવ્યા, સ્ટારડમ આવ્યું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યું. પરંતુ થોમસ કપ જીત્યા પછી પણ, બેડમિન્ટનનો દરજ્જો યથાવત રહ્યો."