sports

PBKS Vs SRH મેચ પહેલા આવ્યા ખરાબ સમાચાર, પંજાબ કિંગ્સના ભૂતપૂર્વ ક્રિકેટરનું 37 વર્ષની વયે નિધન

IPL 2026 દરમિયાન મેદાન પર રમતનો ઉત્સાહ આસમાને છે, ત્યારે ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચારે સમગ્ર વાતાવરણને અંધકારમય બનાવી દીધું છે. પંજાબ ક્રિકેટ સાથે સંકળાયેલા એક ભૂતપૂર્વ ખેલાડીના અવસાનથી માત્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ સમુદાયને આઘાત લાગ્યો છે.

પંજાબ કિંગ્સ એટલે કે પીબીકેએસના ભૂતપૂર્વ ખેલાડી અમનપ્રીત સિંહ ગિલનું 6 મે, 2026 ના રોજ અવસાન થયું. તેમના અચાનક અવસાનના સમાચાર આવતાની સાથે જ ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ. આ દુઃખદ સમાચારની પુષ્ટિ પંજાબ ક્રિકેટ એસોસિએશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા કરવામાં આવી હતી. પંજાબ કિંગ્સે પણ અમનપ્રીત સિંહના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

પંજાબ ક્રિકેટ એસોસિએશને વ્યક્ત કર્યું દુઃખ

પીસીએએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પંજાબ ક્રિકેટ એસોસિએશન પંજાબના ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ સિનિયર પસંદગી સમિતિના સભ્ય અમનપ્રીત સિંહ ગિલના દુઃખદ અવસાન પર ખૂબ શોક વ્યક્ત કરે છે. તેમને ખૂબ જ સમર્પણ અને જુસ્સાથી પંજાબ ક્રિકેટની સેવા કરી અને ઈન્ડિયા અંડર 19, કિંગ્સ ઈલેવન પંજાબ અને પંજાબ જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું. શોકગ્રસ્ત પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. વાહેગુરુ દિવંગત આત્માને શાશ્વત શાંતિ આપે અને આ મુશ્કેલ સમયમાં પરિવારને શક્તિ આપે.


પંજાબ ક્રિકેટ એસોસિએશને એ પણ માહિતી આપી હતી કે અમનપ્રીત સિંહ ગિલના અંતિમ સંસ્કાર 6 મે, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે ચંદીગઢના મણિમજરા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા. પરંતુ તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

આવું રહ્યું છે કરિયર

અમનપ્રીત સિંહ ગિલનો જન્મ 16 સપ્ટેમ્બર, 1989ના રોજ થયો હતો. તે જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર હતો અને નીચલા ક્રમમાં પણ બેટિંગ કરતો હતો. તેને પંજાબની સ્થાનિક ટીમ અને ભારતની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. તેના કરિયર દરમિયાન તેને વિરાટ કોહલી, સૌરભ તિવારી અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો. પરંતુ તેનું ફર્સ્ટ-ક્લાસ કરિયર ટૂંકું રહ્યું, તેને ફક્ત 6 મેચ રમી.

અમનપ્રીતને 2009માં કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) સાથે IPL કરાર મળ્યો અને તે 2010 સુધી ટીમ સાથે રહ્યો. આ સમય દરમિયાન તેને યુવરાજ સિંહ, મહેલા જયવર્ધને અને બ્રેટ લી જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો, પરંતુ તેને ક્યારેય એક પણ IPL મેચ રમવાની તક મળી નહીં.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

Original source: sandesh.com →